Home   Donner
M.S.M. Science College

મોરબીના વિધ્યાપ્રેમી રાજકુટુંબનાં આ સન્નારી પોતે બહુ ભણેલાં ન હોવા છતાં, લગ્ન બાદ આપમેળે અભ્યાસ કરીને, આજની સ્વાતંત્ર્યોતર રાજકિય પરિસ્થિતિમાં પણ, પોતાને શિરે આવી પડેલી અનેકવિધ જવાબદારીઓનો બોજો, સસ્મિત અને સફળતાપૂર્વક વહી રહ્યા છે.

પોતાના સુપુત્ર બાળમહારાજા શ્રી મયૂરધ્વજસિંહજીની ઉંમર નાની હોવાથી ભારત સરકારે તેમને એક ટ્રસ્ટી તરીકે નિમ્યાં છે. અને એક પુત્રવત્સલ તથા આદર્શ માતા તરીકે તેઓશ્રી બાળ મહારાજાના ઉછેર અને ભણતરનુ ધ્યાન રાખી રહ્યા છે,એટલુ જ નહી પણ તેમની ઉચ્ચ કેળવણી અર્થે તેમને લાંબો સમય દૂર વિલાયત મોકલતા પણ તેઓશ્રી અચકાતા નથી,એ હકીકત તેમના કેળવણી-પ્રેમની પ્રતીતિ કરાવી રહે છે.

પરંતુ प्रजाः प्रजाः रुवा ईव (એટલે કે, પોતાના રાજ્યની પ્રજા એ પોતાના સંતાનો જેટલી જ પ્રિય હોવી )-એ તો પ્રાચીન ભારતીય સંસ્ક્રુતિમાં રાજાના પ્રથમ ધર્મ તરીકે માન્ય થયેલ છે. મોરબીનુ રાજ્યકુટુંબ પણ એ પ્રાચીન ભારતીય સંસ્ક્રુતિના સિધ્ધાંતો અને આદર્શોને વરેલુ છે, એ મોરબીની પ્રજાનું સદ્ ભાગ્ય છે.

શ્રી સર્વોદય એજ્યુકેશન સોસાયટીએ મોરબી ખાતે ઉચ્ચ શિક્ષણની કોલેજો શરુ કરિ કે તરત જ આ પ્રજાવત્સલ રાજકુટુંબ તરફથી રૂ.ચાર લાખનુ ઉદાર દાન સોસાયટીને મળ્યું. સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ એવી બિન-સરકારી સાયન્સ કોલેજ સાથે મોરબીના સ્વ.મહારાજા શ્રી મહેન્દ્રસિંહનુ નામ સાંકળીને રાજકુટુંબે સૌરાષ્ટ્રના મધ્યમ વર્ગનાં અનેક ઉત્સાહી ભાઇ-બહેનોને માટે વિ્જ્ઞાનના ઉચ્ચ શિક્ષણની ઉતમ સુવિધા કરી આપી છે. ભવિષ્યમાં પણ આ રાજકુટુંબ-જેમના એક સુયોગ્ય પ્રતિનિધિ તરિકે મહારાણી સાહેબ આજે આ વાર્ષિક સમારંભના ઉદધાટનકાર તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત છે, તે-સોસાયટીને પોતાના બાકી રહેલા કાર્યો પરિપુર્ણ કરવામાં સારી એવી સહાય કરશે એવી અપેક્ષા છે.

એમનુ વ્યક્તિત્વ જાજરમાન અને પ્રતિભાસંપન્ન છે,મોરબી માટે તેમના હદય માં ખુબ પ્રેમ છે અને મોરબીની પ્રજાને તેમના માટે ખુબ આદર છે, અને યથાપ્રસંગ એ આદરને મોરબી યોગ્ય રીતે વાચા પણ આપે છે.

Shree U.N. Mehta Arts College

સ્વ ઉમિયાશંકર નાનચંદ મહેતા અને ગં. સ્વ. કાશીબહેન ઉમિયાશંકર મહેતા

મનુષ્યના જીવનની સુવાસ એના જીવનકાળ દરમ્યાન પોતાની આજુબાજુના વાતાવરણને મધમધતું કરે. એ વાત સાવ સામાન્ય નહીં તો યે સહેલાઇથી સમજી શકાય એવી છે. પરંતુ પોતાના અવશાન પછી યે એ સુવાસ, સ્થળ અને કાળનાં બંધનોથી પર રહીને, અન્ય અનેક માનવજીવનને પ્રફુલ્લ અને પ્રસન્ન કરતી રહે, એ તો સાચેજ એક અસાધારણ ઘટનાં તરીકે ગણાવી શકાય.

સ્વ. શ્રી યુ.એન.મહેતાના વ્યક્તિત્વમાં કેટલાક શાંત છતાં સધર સદગુણોનું એક સારૂં એવું જમા પાસું હતું . પોતે બી.કોમ હતા; ઠાકરશી-ગ્રુપમાં એક ઇન્ડિયન મિલના મેનેજર તરીકે તેમણે સફળ કારકીર્દિ સિદ્ધ કરી;આમ છતાં રિટાયર થઇને મોરબીમા પોતાની જ્ઞાતિની સેવા કરવા માંડી અને એ રીતે સામાજિક સેવાની અનેક સંસ્થાઓ સાથે તેઓ સંકળાયા ત્યારે જ તેમને સાચો આત્મસંતોષ થયો.

પોતાના જીવનકાળ દરમ્યાનજ શિક્ષણનાં સાચાં મૂલ્યો તેમને સમજાયાં હતા;પરંતુ એ મુલ્યોને પોતાના જીવન દરમ્યાન જ સાકાર કરવાનું સદભાગ્ય ઇશ્વરે તેમને ન આપ્યું;પરંતુ તેમની આ અપૂર્ણ રહેલી મનીષાને તેમના ધર્મપત્ની શ્રી કાશીબહેને નિષ્ઠાપૂર્વક હૈયે ધરી, શ્રી યુ.એન.મહેતા ટ્રસ્ટની સ્થાપના કરી અને મોરબી ખાતે આર્ટ્સ કોલેજ માટે શ્રી સર્વોદય એજ્યુકેશન સોસાયટીની રૂ।. ૧,૪૫,૦૦૦ નું વિધાદાન આપીને પોતાનાં પતિનુ શુભ નામ એ સંસ્થા સાથે જોડીને ગૌરવયુક્ત પ્રતિષ્ઠા કરી.

ડીગ્રી-કક્ષા સુધીનું અધ્યાપન કરતી, મોરબી ખાતેની શ્રી યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજ આજે આ વિધાવત્સલ દંપતીની સાચી જીવન-સ્મરણિકા બની રહી છે.

 

Smt. G.J. Sheth Commerce College

શ્રી જમનાદાસ પ્રભાશંકર શેઠ અને શ્રીમતી ગુલાબ જમનાદાસ શેઠ

વિધાના ક્ષેત્રની પરિસીમાઓના પ્રચાર-વિસ્તારનું કાર્ય ભણતરની ઉચ્ચ સિધ્ધિઓની અપેક્ષા નથી રાખતું,-એ હકીકતને શ્રી જમનાદાસભાઇ શેઠે અને તેમના સૌજન્યશીલ ધર્મપત્ની શ્રીમતી ગુલાબબહેને સુયોગ્ય રીતે સાબિત કરી છે.

મોરબીની વી.સી. હાઇસ્કૂલમાંથી મેટ્રિક પાસ થઇને નગરશેઠ-કુટુંબના આ વ્યક્તિત્વ-સંપન્ન નબીરાએ મુંબઇ આવીને આપબળે વાણિજ્ય અને ઉધ્યોગનાં ક્ષેત્રે અસાધારણ સિધ્ધિઓ સંપાદન કરી. તેમના મોટાભાઇ શ્રી રસિકલાલભાઇ શેઠ અને તેમની સહ્યારી વાણિજ્ય-દ્રષ્ટિનું સફલ એટલે Conwest અને Associated Auto-Parts Pvt. Ltd., એ બે સંસ્થાઓ,જેની શાખાઓ આજે હિદુસ્તાનનાં અનેક શહેરોમાં મોજૂદ છે. એક સફળ ઉદ્યોગપતિ તરીકે આજે તેઓશ્રી પાંચેક કંપનીના ડિરેક્ટર છે.અને એ નિમિતે તેમણે સમગ્ર યુરોપ તેમજ અન્ય દેશોમાં પ્રવાસ કર્યો છે.

પરંતુ તેમના વિવિધલક્ષી વ્યક્તિત્વનું આ તો માત્ર એકાંગી દર્શનજ થયું.જેટલી તેમની સમ્રૂધ્ધિ અને સંપન્નતા તેટલી જ તેમની ઉદાર સખાવતો.શ્રી સર્વોદય એજ્યુકેશન સોસાયટીએ મોરબી ખાતે ઉચ્ચ શિક્ષણની કોલેજો શરૂ કરી કે તરત શ્રી જમનાદાસભાઇએ કોમર્સ કોલેજ માટે રૂ।. ૧,૨૫,૦૦૦ નું દાન આપ્યું અને એ સંસ્થા સાથે પોતાના ધર્મ પત્ની શ્રીમતી ગુલાબબહેન નું શુભ નામ જોડયુ, અને તેના ટ્રસ્ટી બન્યા. બન્ને ભાઇઓએ સાથે મળીને મુંબઇના જૈન કિલનિકને રૂ।. ૧,૦૦,૦૦૦ નું દાન આપ્યું.તાજેતરમાં બન્ને ભાઇઓએ શ્રી સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી સર્વોદય ગર્લ્સ હાઇસ્કૂલ માતે રૂ।. ૭૧,૦૦૦ નું દાન કરીને અને પોતાનાં માતુશ્રીનું શુભ નામ એ સંસ્થા સાથે જોડીને મોરબી ખાતે કન્યા કેળવણીની દિશામાં મંગળ પ્રસ્થાન કર્યુ છે.

Rasiklal Sheth Boys High School

સ્વ. શ્રી રસિકલાલ પ્રભાશંકર શેઠ

મોરબીના નગરશેઠ જેવા ઉમદા, પ્રતિષ્ઠિત કુટુંબના આ પરોપકાર-પરાયણ અને ધર્મ-નિષ્ઠ સુપુત્ર સ્વ. શ્રી રસિકલાલ ભાઈ સમુદાર અને મિલનસાર સ્વભાવી હતા. સોસાયટીના આ નિવર્તમાન પ્રમુખશ્રીએ સંસ્થાના ઉતરોતર વિકાસ માટે અવિશ્રાન્ત અને અવિરત ભગીરથ પુરૂષાર્થ કર્યો હતો. મુંબઈની સુવિખ્યાત મે. કોન્વેસ્ટ પ્રા. લી. તથા મે. એસોસીએટેડ ઓટો પ્રા. લી. ના ડિરેકટર તરીકે તેઓશ્રીએ યશસ્વી કામગરી બજાવી હતી. ધર્મ અને સમાજ-સેવાના અનેક કાર્યોમાં ઉદાર દીલે દાન-ગંગા વહાવી તેમણે લક્ષ્મીનો  સદુપયોગ કર્યો. સોસાયટીના પ્રારંભક પ્રમુખશ્રી રસિકલાલભાઈ અને તેમના પરિવાર તરફથી મોરબીમાં ગર્લ્સ હાઈસ્કૂલ, બોયઝ હાઈસ્કૂલ, માટે માતબર દાનો અર્પણ થયા છે.મુંબઈની 'માનવ-મંદિર', "શ્રી નંદકુવરબહેન રસિકલાલ શેઠ હુન્નરશાળા," "જૈન કલીનીક" તથા 'મધ્યમ વર્ગ માટે ભોજનાલય' જેવી અનેક સંસ્થાઓના વિકાસ માટે લાખો રૂ।. ના દાન તેઓશ્રીએ સ્રમર્પિત કર્યા છે. જ્ઞાતિ અને સમાજ માટે પોતાના મિત્રવર્તુળમાંથી લાખો રૂ।. ના દાન એકત્ર કરી આપ્યા છે. નિરભિમાની, નમ્ર અને નિખાલસ એવા શ્રી રસિકલાલભાઈ સોસાયટીનાં અનેક પ્રકલ્પોના પ્રણેતા અને પ્રેરણાદાતા રહા હતા. એક સમર્થ અને નિખાલસ એવા શ્રી રસિકલાલભાઈ સોસાયટીનાં અનેક પ્રકલ્પોના પ્રણેતા અને પ્રેરણાદાતા રહા હતા. એક સમર્થ અને સત્વશીલ સુકાની તરીકે તેઓશ્રીએ તા. ૨૭-૧૨-૬૬ સુધી-જીવનની અંતિમ ક્ષણ સુધી-સોસાયટીને સેવાઓ અર્પી હતી.

રૌપ્ય-મહોત્સવ પ્રસંગે સ્વ. શ્રી રસિકલાલભાઈ "પુણ્ય સ્મ્રુતિ " ને  અંજલિ અર્પીએ છીએ...

Arunoday Mills Hall

સોસાયટીના માનદ્ સહમંત્રી અને રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ‘અરુણોદય’ – વિશાલદીપ મિલ્સના બાહોશ વહીવટ-કર્તા એકૂઝીક્યુટીવ ડિરેકટર શ્રી મધુભાઈ વોરા સંસ્થાના સમર્થ સુકાની, યશસ્વી, પ્રતિભાસંપન્ન, દક્ષ, યુવા ઉધ્યોગપતિ છે. માનવતાવાદી, યુવાન-સમાજસેવા-પરાયણ શ્રી મધુભાઈ વોરાએ પૂર હોનારત પ્રસંગે મોરબી રિલીફ ફંડના પ્રમુખ તરીકે રાહત કાર્યોનાં સંકલનની બજાવેલી યશસ્વી અને ઉપકારક કામગીરી અવિસ્મરણીય છે.

સમાજસેવા, જ્ઞાતિહિત, શિક્ષણ અને માનવ-કલ્યાણનાં અનેક કાર્યોમાં તતુજા-વિતજા સેવાઓ માટે સદા તત્પર એવા શ્રી મધુભાઈ, સોસાયટી સંચાલિત કોલેજના વિકાસ માટે સદા ઉત્સુક અને સતત પરિશ્રમશીલ રહા છે.

સોસાયટી આ શુભ-હિત ચિંતક,સક્રિય કાર્યકરશ્રીને અભિનંદન પાઠવીએ છીએ.