Home   Kuber Mahila Shivan Classes
Kuber Mahila Shivan Classes

વ્યાવસાયિક શિક્ષણની ઉત્તરોતર વધતી જતી માંગના અનુસંધાને સર્વોદય એજ્યુકેશન સોસાયટીએ આજથી ૨૫ વર્ષ પહેલાં મોરબીની બહેનોને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાના શુભ હેતુથી નાત, જાત, ધર્મ, કોમના ભેદ-ભાવ વિના કોઇ પણ જાતની ફી લીધા વિના મહિલાઓ માટે  સીવણ અને શાળાંત પરીક્ષાના અભ્યાસ વર્ગોનો પ્રારંભ કર્યો હતો.

સોસાયટીના મુરબ્બી માર્ગદર્શક સ્વ. ડાહ્યાલાલભાઈ ઝવેરી તરફથી સ્ત્રી શિક્ષણ અને વ્યાવસાયિક શિક્ષણના ઉદ્દેશથી પ્રેરાઈને સોસાયટીને રૂ. ૫૦,૦૦૦/-૦૦ નું ઉદાર દાન પ્રાપ્ત થતાં આ વર્ગોનો સુવ્યવસ્થિત વિકાસની ઉજ્જ્વળ તકનો પ્રારંભ થયો. કુબેરનાથ મન્દિરના પ્રાંગણમાં  અલાયદા મકાનમાં આ વર્ગો શરૂ થયા.

પ્રારંભના વર્ષોમાં બે વર્ગો સીવણ અને બે વર્ગો શાળાંત અભ્યાસ માટે શરૂ થયા. કેટલાક વર્ષો પછી સરકારી નીતિને કારણે શાળાંતનું મહત્વ નામશેષ થઈ જતાં શાળાંત વર્ગ બન્ધ કરવામાં આવ્યા અને સીવણ-ભરત ગૂંથણનો એક વર્ગ વધારવામાં આવ્યો.

દશ મશીનો સાથે શરૂ થયેલા આ વર્ગમાં હાલ ૨૧ મશીનો છે.જેના વડે ૧૫૦ બહેનો તાલીમ લે છે. પ્રારંભમાં આ વર્ગોની પરીક્ષા “સમસ્ત ગુજરાત સામાજિક સંસ્થા મધ્યસ્થ મંડળ “ “જ્યોતિ સંઘ, અમદાવાદ” દ્વારા અને હાલ T.C.W.G.ની સરકાર માન્ય ટેક્નિકલ બોર્ડ દ્વારા પરીક્ષાઓ લેવામાં આવે છે.

દશાબ્દી મહોત્સવ બાદ, સોસાયટીએ એમ્બ્રોયડરી અને ફેન્સી વર્કનો અભ્યાસક્રમ શરૂ કર્યો છે. પરીક્ષાના પરિણામો  ૧૦૦% રહ્યા છે. ટેક્નિકલ બોર્ડની પરીક્ષામાં ૧૫૦ બહેનો સીવણમાં અને ૧૩૦ બહેનો એમ્બ્રોયડરી - ફેન્સી વર્ક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ છે. સમાજકલ્યાણ ખાતાની માન્ય પરીક્ષામાં આઠસો બહેનો ઉત્તીર્ણ થયેલ છે. આજ સુધીમાં આ વર્ગોમાં ૪૦૦૦ બહેનોએ તાલીમ લીધી છે અને ઘરકામનું તથા બહારનું સીવણકામ કરી પોતાના કુટુંબને આર્થિક સહાયમાં મદદરૂપ થઈ રહી છે.

આજે આ વર્ગો બે પાળીમાં ચાલે છે તેમ છતાં આ વર્ગોમાં દાખલ થવા ઈચ્છતી બહેનોની વિશાળ સંખ્યા જોતાં હાલના બે વર્ગોનું મકાન અપુરતું જ છે.

રૌપ્ય મહોત્સવ પ્રસંગે પધારેલા માનવંતા મહેમાનો, દાતાઓ સર્વને સંસ્થાના વર્ગોની મુલાકાતે પધારવા નિમંત્રીએ છીએ, જેથી ઉદાર-દિલ દાતાઓને સીવણ –મશીનો, મકાન સુવિધા અંગેની જરૂરિયાતની પ્રત્યક્ષ પ્રતીતિ થશે.

સંસ્થાના પ્રારંભથી જ શ્રી નિર્મળાબેન મહેતા આ વર્ગોના માનદ-સંચાલિકા તરીકે અવેતન સેવાઓ આપી રહ્યા છે. તેઓ પીઢ, અનુભવી, કસાયેલા સમજિક - સ્ત્રી – કાર્યકર પણ છે. વર્ગોના વિકાસમાં અવિશ્રાન્ત પરિશ્રમ લઈ રહ્યા છે, તે બદલ સધન્યવાદ અભિનંદનના અધિકારી છે. જે.એચ.સોનગ્રા, એસ.સી.દવે અને આઈ.એ.ઝાલા સુંદર કામગીરી બજાવે છે.